Saturday, October 16, 2010

અંગત હોય છે

સમજાય જ નહીં, શું સચ ને શું ગલત હોય છે
જીંદગી વિશે અભિપ્રાય સહુના અંગત હોય છે
હવા લઈ ફર્યા કરે ચોક્કસ પુષ્પોના હસ્તાક્ષર(સુગંધ/ખૂશ્બુ)
ઉપવનમાં તો ઠેર ઠેર આવી આવી રંગત હોય છે
જ્વાળા સાથે દોસ્તીમાં પણ ક્યાં કંઈ ખોટું છે
પ્રિતમાં બળી ખાખ થવું પતંગની મમત હોય છે
ત્યાગ, તપ્સયા, તર્પણ કે તડપન, બધું સાચું
છેવટે પ્રેમ માત્રને માત્ર એક પક્ષીય રમત હોય છે
સાધના, સમાધાન, સમર્પણ નો કર સમન્વય
પછી જો ‘રશ્મિ’ અહિંયા જ રંગીલું જન્નત હોય છે.

આપણી દોસ્તી ની વાત કાંઇ ઓર છે


આ જનમની વાત કાંઈ ઓર છે
દોસ્ત! તારો સાથ કાંઈ ઓર છે

તારા જનમ દિને તને આપુ છું હ્રદયથી
એ શુભેચ્છા નો સાદ કાંઈ ઓર છે

સાતેય આસમાનને જે નીચા કહાવે છે,
આપણી દોસ્તી નું એ આસમાન કાંઈ ઓર છે

મરીને પણ નિભાવીશ હું આ દોસ્તી
આપણા એ વચનની તાકાત કાંઈ ઓર છે

સંગે મરમર ના તાજને પણ પાડે છે ઝાંખો
આપણી દોસ્તી નો એ ઝગમગાટ કાંઈ ઓર છે

બેઠા'તા ઘરના ઓટલે
ને ખાધા'તા એકમેકના જુઠા ધાન,
લડ્યા'તા એકબીજા માટે એનુ ઉગે છે માન
મોત કરતાં વહાલું છે દોસ્તનું સન્માન

કુદરતે રચેલા આ સંબંધનો ઘાટ કાંઈ ઓર છે.
સપન ! આ દોસ્તીનો સ્વાદ કાંઈ ઓર છે.

આ જનમની વાત કાંઈ ઓર છે
દોસ્ત! તારો સાથ કાંઈ ઓર છે

જો એ મને મળે તો...


હું સ્વર્ગને પામી લઊં જો એ મને મળે તો
હું ખુદ ને પણ ખોઈ દઊં જો એ મને મળે તો

હું મોત ને પણ માત કરૂં જો એ મને મળે તો
હું સમય ને પણ સાથ કરૂં જો એ મને મળે તો

એના અધરને ચુમી લઊ જો એ મને મળે તો
એની મુસ્કાનને માણી લઊ જો એ મને મળે તો

એના હાસ્યથી હસી લઊ જો એ મને મળે તો
એના રૂદન પર રડી લઊ જો એ મને મળે તો

બાકી તો સપન વધુ શું કહું જો એ મને મળે તો?
કામદેવ - રતી ને પાછા પાડું જો એ મને મળે તો...

હું તો જાગી જાગી જાઉં છું.


તારી આંખોને જોઈને હું તો પાગલ પાગલ થાઉં છું
તારો સ્પર્શ પામીને હું તો પાણી પાણી થાઉં છું

લજ્જાથી મસ્તક જુકાવી જુએ છે ભુમી તરફ તું
તારૂં રૂપ જોઈને હું તો વારી વારી જાઉં છું.

પગમાં બાંધેલી પાયલે એવો તે જાદુ શું કર્યો?
ઝાંઝરને સાંભળી ને હું તો રણકી રણકી જાઉં છું.

તમારી જુલ્ફોમા નાખેલો ગજરો પણ કમાલ છે..
તેની સુવાસ પામીને હું તો મહેકી મહેકી જાઉં છું

સપન તો આવશે હવે આંખો મહી ક્યાથી?
યાદ તમારી આવે ને હું તો જાગી જાગી જાઉં છું.

આયના જેવુ અંગ અને સોના જેવો રંગ


આયના જેવુ અંગ અને સોના જેવો રંગ
કુદરતે રચ્યો છે શું મજાનો સંગ !

ફુલ જેવા વદન પર સંગીત જેવુ સ્મીત
હારી જાઉં દિલ અને મેળવી લઉં હુ જીત

સુરાલય જેવી આંખો મા સુરા છે અમાપ
એક બુંદનો નશો ને રહે જીવનભરનો વ્યાપ

હંસલા જેવી બોલી અને કોયલ જેવો કંઠ
દિલના તાર છંછેડતો જાણે એક તંત

ભમ્મર કાળા વાળ ને તડકા જેવુ રૂપ,
સપનને ખુટે શબ્દો, એવુ સુંદર સ્વરૂપ

Friday, October 15, 2010

કોણ છું હું?


મધદરિયે ઉભેલો પહાડ છું હું.
ઠુઠા શષ્ત્રનો પ્રહાર છું હું.

સફળતા મળતી નથી મને એ જાણું છું
કારણ કે નિષ્ફળતાનો પર્યાય છું હું.

મહેલની ભવ્યતા પર હવે જાશો નહી,
અંદરથી જરી પુરાણો ખંડેર છું હું...

તાર ભલે લગાવ્યા હોય નવા નક્કોર,
આખર તો બેસુરી સિતાર છું હું...

જીવન જીવુ છું થોડું તુટેલું થોડું ફુટેલું,
જિંદગી પર પણ જાણે ભાર છું હું...

મોત પણ કાયમ હાથતાળી દઈ જાય છે,
મોત માટે પણ અસ્વિકાર છું હું...

બોલ્યો છું સાચુ ને કર્યુ છે સાચું તેથી જ,
આ જુઠી દુનિયાનો ગુન્હેગાર છું હું...

કિધુ છે દેવું ગમનું સદા દુનિયા પાસેથી,
માટે આ દુનિયાનો દેવાદાર છું હું...

નથી લડ્યો કોઈ'દિ દુનિયાની જીદ સામે
એટલે જ લોકો કહે છે કાયર છું હું...

સપન તુટ્યા છે મારા સદાયે..
એટલે જ થઈ ગયો શાયર છું હું....

તારા રૂપને થોડું નિરખી લઊ.
તારા પ્રેમને થોડો પામી લઊ.
અરમાન દિલમાં એ આજે જાગ્યું;
તને મારી કવિતા બનાવી દઊ.

પ્રેમની ઝાકળ ભેગી કરી ભર્યો છે ખોબો.
લાવ તારા સુરૂપ ચહેરા પર એક છાલક મારી લઊ.

ઉડતા વાદળને અટકાવી વરસાવુ મેઘ.
આજે તારા અંગ અંગને હેતથી ભિંજવી દઊ.

વસંતના દરેક ફુલની સુગંધ લાવ્યો છું.
અને એ કામુક ખુશ્બુથી તારી ઝુલ્ફો મહેકાવી દઊ.

તારા રૂપને થોડું નિરખી લઊ.
તારા પ્રેમને થોડો પામી લઊ.
અરમાન દિલમાં એ આજે જાગ્યું;
તને મારી કવિતા બનાવી દઊ.

મંજુર છે...


તુ શરૂઆતને અંત કહીશ, મંજુર છે.
તુ શયતાનને સંત કહીશ, મંજુર છે.
બસ તુ મને અપનાવી લે..
પછી તુ કોઈ પણ શરત મુકીશ મંજુર છે.

આમ જ કોઈ ધરી દે અમૃતનો સાગર, નથી જોઈતો.
તુ પ્રેમથી બે બુંદ ઝેર આપીશ, મંજુર છે.

હવે ડંખે છે મને ફુલોની સેજ પણ તારા વિના.
તારી સાથે તો બાણ શૈય્યા પણ મંજુર છે.

તુ શરૂઆતને અંત કહીશ, મંજુર છે.
તુ શયતાનને સંત કહીશ, મંજુર છે.
બસ તુ મને અપનાવી લે..
પછી તુ કોઈ પણ શરત મુકીશ મંજુર છે.

જમાના એ દિધા છે ઝખમ એટલાં....

નથી નદી કે નથી દરીયો, છતાં અહીં વગર પાણીએ વમળ રચાય છે.
જમાના એ દિધા છે ઝખમ એટલાં, હવે કોઈ મરહમ લગાવે તોય દર્દ થાય છે.

પ્રેમ અને વહેમ વચ્ચે ઝોલા ખાતી જીંદગી. ક્યારેક વહેતી ક્યારેક થોભતી જીંદગી
જીંદગીની નાવને સંભાળુ હું કેમ ? આ નાવ તો પતવારમાં જ અટવાય છે.

સમયના વહેણમાં ખેંચાઈ જાઊં છું. વિચારોની લહેરમાં તણાઈ જાઊં છું.
તુટેલા ’સપન’ લઈ ચાલુ છું જ્યાં; એ રાહ પર મારી મંજીલ અટવાય છે.

નથી નદી કે નથી દરીયો, છતાં અહીં વગર પાણીએ વમળ રચાય છે.
જમાના એ દિધા છે ઝખમ એટલાં, હવે કોઈ મરહમ લગાવે તોય દર્દ થાય છે.

પપ્પા...

પ્રેમથી તે દિવસે માથે તમારો હાથ ફર્યો
મારી પ્રગતીથી તમે એટલા ખુશ હતાં;
કે વ્હાલથી તમે મને ગળે લગાવ્યો.
આ વાત પણ સાચી હોત પપ્પા,
જો તમારી છબી પર હાર ના હોત.

હું તમને ખુબ પ્યાર કરૂં છું.

એક નાનકડી રજુઆત કરૂં છું.
અંતરના ઉંડાણથી એકરાર કરૂં છું
હું તમને ખુબ પ્યાર કરૂં છું

ઈશ્વરને કોણે જોયા છે આજ સુધી
તમારા પર ઈશ્વરથી વધુ એતબાર કરૂં છું
હું તમને ખુબ પ્યાર કરૂં છું.

ચમત્કારમાં વિશ્વાસ તો હું પણ નહોતો કરતો.
તમને જોયા ત્યારથી રોજ કવિતામાં ચમત્કાર કરૂં છું.
હું તમને ખુબ પ્યાર કરૂં છું.

તમે અને હું, બન્ને અલગ છીએ, જાણુ છું.
છતાં સપનમાં રોજ આપણને એકાકાર કરૂં છું.
હું તમને ખુબ પ્યાર કરૂં છું.

એક નાનકડી રજુઆત કરૂં છું.
અંતરના ઉંડાણથી એકરાર કરૂં છું
હું તમને ખુબ પ્યાર કરૂં છું

આપણે...


એક બંધનમાં બંધાયેલા આપણે.
એક તાંતણે ગુંથાયેલા આપણે.
તુ ના જાણે તને; હું ના જાણું મને,
છતાં એકમેકને જાણી ગયેલા આપણે.

આપણાં દેશ અલગ, આપણા વેશ અલગ
હોઠોથી બોલેલા આપણા દરેક બોલ અલગ
અલગ અલગ છીએ, છતાં એક જ જાણે
એકમેકમાં કેવા ભળી ગયેલાં આપણે.

જેટલાં દુર છીએ, એટલા જ પાસે
અલગ શરીરે છીએ, છતાં એક શ્વાસે.
પવનમાં સમાઈ જતી સુગંધ જાણે
એકમેકમાં કેવા સમાઈ ગયેલાં આપણે.

એક બંધનમાં બંધાયેલા આપણે.
એક તાંતણે ગુંથાયેલા આપણે.

રાત્રે મુંબઈની સડક પર...

રાત્રે મુંબઈની સડક પર
ભટકતાં ભટકતાં...
એક સ્ત્રી પર નજર ગઈ..
ઓટલા પર સુતેલા ગરીબોને
રજાઈઓ વહેંચતી હતી...
મોઢા પર પ્રસન્નતાના અદભુત ભાવ હતાં
અને આંખોમાં અનેરી ચમક...
મારાથી એને સહજતાથી જ કહેવાઈ ગયું...
"વાહ! ખુબ સરસ કામ કરો છો તમે.."
તરત જ સામે જવાબ મળ્યો..
"આ સીવાય પણ એક સારૂં કામ કરૂં છું.."
આંખ મીચકારી બોલી...
"લઈ જઈશ મને.. પંદરસો લઈશ.. ઓન્લી.."

સંબંધ

માનવી માનવી વચ્ચે આ અકબંધ શું છે ?
હવે કોઈ તો મને સમજાવે આ સંબંધ શું છે ?

સગા ને સાચવે અને સાવકાને સતાવે
એક માની મમતામાં આ ભરમ શું છે?

પીતાના આ ધંધામાં આપણને ના ફાવે.
બાપ-દિકરા વચ્ચે આ અણબન શું છે ?

કીધેલું માન, આમ તો તું છે નાનો
ભાઈ - ભાઈમાં આ ચણભણ શું છે ?

પત્નીથી પારકો પણ પારકી એ પત્ની
એક પતીની વફામાં આ ફરક શું છે ?

કોઈકના ભોગે દુ:ખ તો કોઈકના ભાગે સુખ
ઓ ઈશ્વર, આ માનવીના કરમ શું છે ?

હીન્દુ, મુસ્લીમ, શીખ, ઈસાઈ. રહેવા દે હવે.
’સપન’ જરા શીખ, માણસાઈનો ધરમ શું છે?

માનવી માનવી વચ્ચી આ અકબંધ શું છે ?
હવે કોઈ તો મને સમજાવે આ સંબંધ શું છે ?

ભીખ... દાન.. ધર્માદા..

મિત્રો...

સૌથી પહેલાં તો આપણે આ ભીખ.. દાન... ધર્માદો શું છે એ સમજીએ તો એની ઉપયોગીતા સમજમાં આવી જશે...

રસ્તે ચાલતાં કોઈ ગરીબ તમારી સામે હાથ લાંબો કરીને કશું માંગે છે અને તમે તેને રૂપીયા કે ખાવાની વસ્તુ આપો છો તો તે ભીખ છે.... કોઈ સંત વ્યક્તીને કે કોઈ સારી સંસ્થાને, કોઈ પશુ-પંખીને અપાયેલા ખોરાક કે રૂપીયા કે વસ્તુને દાન કહેવાય છે...... અને કોઈ આત્મજન ગુજરી જાય તો એની પાછળ અપાતાં દાનને આપણે ધર્માદો કહીએ છીએ.

બીજો સવાલ એ કે ભીખ કે દાન કે ધર્માદો કરવો જોઈએ કે નહી ??

તો મારા મત મુજબ હા. આ ત્રણે કરવા જોઈએ..... કારણ કે

(૧) ગરીબને ભીખ આપવાથી આપવાથી આપણે સામે વાળી વ્યક્તીની ફક્ત ગરીબી કે લાચારી દુર નથી કરતાં પણ એક એવા સમયને પણ જોઈએ છીએ જ્યાં માનવી નિઃસહાય થઈ જાય છે.....(આ તો દરેકનો જોવાનો નજરીયો છે..)... સમય અને સંજોગો માનવીને કેટલી હદ સુધી પછાડી શકે છે એ આપણે પોતાની નઝર સમક્ષ જોઈ શકીએ છીએ. અને એ સાથે જ આપણે એવા સંજોગો સામે બાથ ભીડવા આગોતરી તૈયારીઓ પણ કરી શકીએ છીએ. વૈગ્યાનીક રીતે એ સાબીત પણ થયુ છે કે જે વ્યક્તી ભીખ, દાન કે ધર્માદો નીયમીત રીતે કરે છે તે માનસીક રીતે વધુ મજબુત હોય છે.

(૨) સંતને કરેલા દાનમાં હંમેશા સંતના આશીષ રૂપી ફળ છુપાયેલું હોય છે અને સંતના આશીર્વાદના ફાયદા કેટલા હોય છે એ તો આપ સૌ જાણો જ છો.

(૩) અમુક સંસ્થાઓ ચાલે છે જે ખરેખર સેવા કાર્ય કરતી હોય છે....(મહેરબાની કરીને રાજકીય પક્ષોને આ સંસ્થાઓ સાથે જોડવા નહી...)... એવી સંસ્થાઓને અપાયેલા દાનથી દેશ અને સમાજનો ઉદ્ધાર થાય છે. આ સંસ્થાઓ અને એની ટીમ એવી વ્યક્તીઓ અને એવા ક્ષેત્રો સુધી પહોચે છે જ્યા કોઈ એકલા વ્યક્તીનું પહોંચવું ખરેખર અઘરૂં હોય છે, કહો કે અશક્ય હોય છે.

(૪) ધાર્મિક સંસ્થાઓને (મંદીર, મસ્જીદ, ગુરૂદ્વારા વિ.ને પણ અહીં શામેલ કરશો) કરાતા દાન પુણ્ય દ્વારા આપણે આપણા આત્માને તૃપ્ત કરીએ છીએ. આ વાત થોડી આધ્યાત્મીક છે પણ એટલી જ જરૂરી છે. આત્માની શાંતી... આત્માની તૃપ્તી... આત્માનો આનંદ એ કોઈપણ વ્યક્તીને ખુશહાલ જીવન આપવામાં પાયારૂપ બને છે. (આ વીશે વધુ નથી લખતો.. નહી તો આ ચર્ચા પ્રવચનમાં ફેરવાઈ જશે)

(૫) આપણે માણસ છીએ. ભુખ લાગે તો જાતે બનાવી લઈશું... જાતે ના બનાવી શકીએ તો બોલી શકીશું.. બોલી પણ ના શકાય તો ઈશારાથી માંગી લઈશું.. પણ મુંગા પશુ-પંખી કે જીવાતોનું શું ?? તેઓને પણ ભગવાને પેટ તો આપ્યુ જ છે. તો એમને કરાયેલું દાન પણ એટલું જ જરૂરી છે.

(૬) કોઈ આપ્તજન પાછળ જ્યારે કોઈ ધર્માદો કરે છે તો તેના દ્વારા એ આપ્તજનની આત્માની શાંતી માટે પ્રાર્થના પણ કરે છે. જગતને છોડીને ગયેલા આત્મા માટે પણ શાંતી પ્રાર્થના જરૂરી છે અને કદાચ આ કારણથી જ આ ધર્માદાનો રીવાજ અમલમાં આવ્યો હશે.

હવે ત્રીજો સવાલ.. ભીખ કે દાન કોને કરવા જોઈએ ??

શું દરેક ભીખારીને ભીખ આપવી જોઈએ ?? શું દરેક સંત અથવા ધાર્મીક કે સામાજીક સંસ્થાને દાન આપવું જોઈએ ??

તો આનો જવાબ મારા મત મુજબ ના છે. કોઈ ભીખારીને ભીખ આપતા પહેલા એ ચકાસવું જરૂરી છે કે શું એ ભીખ આપવાને લાયક છે. ક્યાંક એણે આ ભીખ માંગવાનો ધંધો તો નથી આદર્યો ને ?? હવે તમે કહેશો કે રસ્તે ચાલતાં કે ટ્રેનમાં મળેલા ભીખારીની એ લાયકાત ક્યાં તપાસવા જવી ?? તો મારૂ સુચન છે કે એવી વ્યક્તીને ભીખ આપવાનું ટાળો અને ખાસ કરીને રૂપીયા. હા, બાકી હાથ પગ કે આંખો વગરના માનવીની લાયકાત તપાસવાની તો જરૂર જ નથી હોતી.

સંતમાં પણ એની અંદરના સાતત્યને ચકાસવું જરૂરી છે. તેવી જ રીતે ધાર્મીક-સામાજીક સંસ્થાઓની પણ યોગ્યતા ચકાસવી જરૂરી છે. કારણ કે ઘણી જગ્યાએ આ સંસ્થાઓની આડમાં બીઝનેસ અને ટેક્સ સેવીન્ગસ થતાં પણ મે જોયા છે.

દાન આપવા માટે મનુષ્યની કે એના દ્વારા ચાલતી સંસ્થાઓની ચકાસણી કરવી જરૂરી બને છે પણ પશુ-પંખી માટે આ ચકાસની જરૂરી નથી એ કેવું વિચિત્ર કહેવાય નહી ??

ગરમીની સીજન પુરબહારમાં ચાલે છે એટલે out of topic આ સુચન લખવાનું મન થાય છે. તમારા ઘરની બહાર કે છત કે અગાસી ઉપર પાણીનાં કુંડા ભરીને મુકી રાખશો. મુંગા પશુ પંખીને પાણી પીવડાવવું એ પણ એક દાન આપવાની રીત જ છે....

હજી એક સવાલ બાકી છે... ભીખ, દાન કે ધર્માદા કેવી રીતે કરવાં ??

ભીખારીને ભીખ આપવી... સંસ્થાને કે સંતને દાન આપવું... કે આત્મજન પાછળ ધર્માદો કરવો એ આમ તો સીધી સાદી વાત છે... પણ કામ કેવી રીતે કરવા એ એક મહત્વની વાત છે.

ભીખારીને તમે રૂપિયાને બદલે ખોરાક પણ આપી શકો છો... આજકાલ ભીખ માંગવો એ ખરેખર એક ધંધો બની ગયો છે... આ ધંધાને કાબુ કરવા માટે આપણે જ સૌથી પહેલા જાગૃત થવાની જરૂર છે. અગર આપણે રૂપીયા આપીશું તો ભીખ માંગવી એ એની આદત બની જશે. પણ ખોરાક આપીશું તો એ કરી કરીને કેટલો ખોરાક એકઠો કરશે ?? અને દરેક જરૂરીયાત ફક્ત ખોરાકથી જ થોડી પુરી થવાની છે ?? આ દ્વારા તેને મહેનત કરવાની પ્રેરણા મળશે. માનુ છું કે આને કારણે કદાચ ભીખારીઓ ક્રાઈમ તરફ વળી જાય... પણ એ ડરથી આપણે પ્રયત્ન કરવો જ મુકી દેવો એ વાત તો યોગ્ય નથી ને ??

સંત કે સંસ્થાને પણ અગર થઈ શકે તો રૂપીયા આપવાના ટાળવા. તેમને રૂપીયા ન જ આપવા એમ નથી કહેતો. કારણ કે તેમની અમુક જરૂરીયાત તો તેના દ્વારા જ પુરી થશે. પણ તેમને પણ તેમની જરૂરીયાતી સામાન અગર આપશો તો ધાર્મિક સંસ્થાઓ અને સંતોમાં દુષણ ફેલાતુ અટકશે. (આ મારૂં માનવું છે... બાકી જેવી દ્રષ્ટી તેવી સૃષ્ટી.)

પશુ પક્ષીઓ માટે આવુ નથી જ લખવું પડતું. કારણ કે તેઓમાં માણસ જેટલી લુચ્ચાઈ તો નથી જ ભરેલી હોતી..

આ સીવાય પણ મદદના પ્રકાર છે. જેમ કે મિત્રોને મુસીબતમાં મદદ કરવી... એને જાણ ના થાય એમ... એ પણ દાનનો જ એક પ્રકાર છે. કહેવાનો અર્થ એજ કે નેકી કર ઔર કુવે મે ડાલ... જે પણ દાન કરો.. મદદ કરો... ભીખ આપો એનો ઢંઢેરો ના પીટવો...

અને હા, ભલે થોડુ દાન કરો પણ મનથી... દિલથી કરો.. લાગણીથી કરો, બુદ્ધીથી નહી... પરમાર્થ માટે કરો, સ્વાર્થ માટે નહી....

મિત્રો...

એક વિનંતી કરૂં છું...

અગર કોઈ તકલીફ ના હોય તો જીવનમાં રક્તદાન અને મૃત્યુ બાદ ચક્ષુદાન અને દેહદાન જરૂર કરજો... કારણ કે આ દાન દ્વારા તમે કોઈને જીવનદાન અને કોઈને પ્રકાશનું દાન આપી શકો છો તો કોઈ મેડીકલના વિદ્યાર્થીઓને અભ્યાસમાં મદદરૂપ થઈ વિદ્યાનું દાન પણ આપી શકો છો.

આભાર...